પશ્ચિમ એશિયામાં ચાલી રહેલું યુદ્ધ હવે એક અત્યંત ખતરનાક વળાંક પર પહોંચી ગયું છે. અત્યાર સુધી સૈન્ય મથકો પર થતા હુમલા હવે ઊર્જા ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે ઓઈલ અને ગેસ રિફાઈનરીઓ પર થવા લાગ્યા છે. તાજેતરમાં ઈરાને કતારના વિશ્વ પ્રસિદ્ધ ‘રાસ લાફાન’ ગેસ હબ (ગેસ પ્લાન્ટ )પર મોટો મિસાઈલ હુમલો કર્યો છે.
કતારને મોટું આર્થિક નુકસાન
કતાર એનર્જીના CEO સાદ અલ-કાબીએ આ હુમલા બાદ ગંભીર વિગતો આપી છે:
-
નિકાસમાં ઘટાડો: કતારની LNG નિકાસ ક્ષમતાનો 17% હિસ્સો તબાહ થઈ ગયો છે.
-
આર્થિક ફટકો: આ હુમલાને કારણે વાર્ષિક 20 અબજ ડૉલરનું નુકસાન થવાનો અંદાજ છે.
-
રિકવરી સમય: આ નુકસાનને સરખું કરવામાં અને સપ્લાય સામાન્ય કરવામાં 5 વર્ષ જેટલો સમય લાગી શકે છે.
ભારત પર આ હુમલાની સીધી અસર
કતાર પર થયેલો આ હુમલો ભારત માટે આર્થિક અને ઊર્જાની દ્રષ્ટિએ મોટો ફટકો સાબિત થઈ શકે છે.
-
આયાત પર નિર્ભરતા: ભારત તેની કુલ LNG આયાતનો 20% હિસ્સો માત્ર કતાર પાસેથી ખરીદે છે.
-
અછતનું જોખમ: જો કતારથી સપ્લાય અટકે, તો ભારતમાં કુદરતી ગેસની ભારે અછત સર્જાઈ શકે છે.
-
ભાવમાં વધારો: સપ્લાય ઘટતા આંતરરાષ્ટ્રીય બજારમાં ગેસ અને તેલના ભાવમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે.
ભારત સરકારે આ હુમલાની આકરી ટીકા કરી છે, કારણ કે આનાથી દેશના ઉદ્યોગો અને સામાન્ય જનતાના ખિસ્સા પર અસર પડી શકે છે.
ઈરાનના ચોતરફા હુમલા
ઈરાને માત્ર કતાર જ નહીં, પરંતુ અન્ય દેશોના એનર્જી સેક્ટરને પણ નિશાન બનાવ્યા છે:
-
સાઉદી અરેબિયા: ‘સેમરેફ’ રિફાઇનરી પર ડ્રોન હુમલો.
-
કુવૈત: મધ્ય પૂર્વની સૌથી મોટી રિફાઇનરી ‘મિના-અલ અહમદી’ પર હુમલો.
આ હુમલાઓથી સાબિત થાય છે કે ઈરાન હવે દુશ્મન દેશોની કમર તોડવા માટે તેમના ઊર્જા સ્ત્રોતોને ખતમ કરી રહ્યું છે.
ડોનાલ્ડ ટ્રમ્પની કડક ચેતવણી
પરિસ્થિતિની ગંભીરતા જોતા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ખુલ્લી ધમકી આપી છે. ટ્રમ્પે જણાવ્યું કે, જો ઈરાન કતારના એનર્જી સેક્ટર પર હુમલા બંધ નહીં કરે, તો અમેરિકા ઈરાનનું આખું ‘સાઉથ પાર્સ’ ઓઇલફિલ્ડ નકશા પરથી મિટાવી દેશે.” સાથે જ અમેરિકાના સંરક્ષણ મંત્રીએ દાવો કર્યો છે કે તેમણે ઈરાનની તમામ 11 સબમરીન દરિયામાં ડૂબાડી દીધી છે.
વૈશ્વિક અર્થતંત્ર પર સંકટ
આ યુદ્ધ હવે માત્ર સરહદો પૂરતું મર્યાદિત નથી રહ્યું. ગેસ અને તેલના કુવાઓ પર થતા હુમલાને કારણે આખું વિશ્વ ઊર્જા સંકટ તરફ ધકેલાઈ રહ્યું છે. જો આ સંઘર્ષ જલ્દી શાંત નહીં થાય, તો મોંઘવારી આસમાને પહોંચી શકે છે.
કતારના ગેસ પ્લાન્ટ પરનો હુમલો એ માત્ર એક દેશનું નુકસાન નથી, પણ ભારત સહિતના અનેક દેશો માટે ચેતવણી સમાન છે. ભારત હવે અન્ય દેશો પાસેથી ગેસ મેળવવાના વિકલ્પો શોધવા મજબૂર બનશે.
