Stock Market Crash : ભારતીય શેરબજારમાં સતત ચોથા દિવસે ભારે વેચવાલી જોવા મળી રહી છે. સ્મોલકેપ અને મિડકેપ શેરોમાં મચેલા કડાકાના કારણે રોકાણકારોના પોર્ટફોલિયો લાલ નિશાનમાં સરી પડ્યા છે. બજારમાં મંદીનો માહોલ હાવી થઈ રહ્યો છે ત્યારે સ્થાનિક બ્રોકરેજ ફર્મ જેએમ ફાઇનાન્શિયલ (JM Financial) ના ટેકનિકલ એનાલિસિસમાં બજારને લઈને મોટો ઘટાડો આવવાની શક્યતા દર્શાવવામાં આવી છે.
બ્રોકરેજના રિપોર્ટ અનુસાર, જો એનએસઈ નિફ્ટી મહત્વપૂર્ણ સપોર્ટ લેવલ તોડશે, તો આગામી ત્રણ મહિનામાં ઇન્ડેક્સમાં વધુ ૧૫૦૦ થી ૧૬૦૦ પોઇન્ટ્સનો મોટો કડાકો બોલી શકે છે, જેનાથી નિફ્ટી સીધો ૨૧,૦૦૦ ના સ્તરે પહોંચી શકે છે.
નિફ્ટી માટે ૨૨,૦૦૦ નું લેવલ નિર્ણાયક
જેએમ ફાઇનાન્શિયલના ટેકનિકલ એક્સપર્ટ્સનું વિશ્લેષણ:
-
નિર્ણાયક રેન્જ: નિફ્ટી માટે ૨૨,૫૫૦ થી ૨૨,૧૮૦ નો ઝોન અત્યંત મહત્વનો સાબિત થશે. જો અહીંથી માર્કેટ બાઉન્સ બેક કરે છે, તો લાર્જકેપ શેરોમાં સારો સુધારો જોવા મળી શકે છે.
-
૨૨,૦૦૦ તૂટતાં મોટો ઘટાડો: જો બજાર રિકવર કરવામાં નિષ્ફળ રહે છે અને નિફ્ટી ૨૨,૦૦૦ ની સપાટી તોડીને નીચે બંધ રહે છે, તો આગામી ૩ મહિનામાં વધુ ૧૫૦૦ થી ૧૬૦૦ પોઇન્ટનો ઘટાડો નિશ્ચિત બની શકે છે.
-
૨૧,૦૦૦ સુધીનું જોખમ: આ સ્થિતિમાં નિફ્ટી ૨૧,૦૦૦ ના મનોવૈજ્ઞાનિક સ્તર સુધી ગગડી શકે છે.
બજારની આંતરિક સ્થિતિ અત્યંત નબળી
બ્રોકરેજ ફર્મના જણાવ્યા અનુસાર માર્કેટ બ્રેડ્થ (બજારની વ્યાપકતા) ખૂબ જ ચિંતાજનક સ્તરે પહોંચી ગઈ છે:
-
માત્ર ૨૪ ટકા શેરો જ તેમના ૫૦-ડે મૂવિંગ એવરેજ (50-DMA) ની ઉપર ટ્રેડ કરી રહ્યા છે.
-
માત્ર ૨૨ ટકા શેરો પોતાના ૨૦૦-ડે મૂવિંગ એવરેજ (200-DMA) ની ઉપર જળવાયેલા છે, જે દર્શાવે છે કે લાર્જકેપ શેરો પણ હવે દબાણ હેઠળ આવી ચૂક્યા છે.
-
જોકે, ઐતિહાસિક રીતે જ્યારે પણ માર્કેટે ૨૦૦-વીક ઇએમએ (200-week EMA) તોડ્યો છે, ત્યારે ટૂંકા ગાળામાં તીવ્ર ઘટાડો આવ્યો છે પરંતુ લાંબા ગાળાના રોકાણકારો માટે તે આકર્ષક તક પણ સાબિત થયો છે.
મિડકેપ સામે લાર્જકેપ તરફ રોકાણકારોનો ઝુકાવ વધશે?
રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે કે વર્ષ ૨૦૨૧ થી નિફ્ટી-ટુ-મિડકેપ ૧૦૦ રેશિયો સતત ઘટાડા તરફ રહ્યો હતો, જે દર્શાવે છે કે મિડકેપે લાંબા સમય સુધી લાર્જકેપ કરતાં વધુ સારું રિટર્ન આપ્યું છે. પરંતુ હવે આ રેશિયો તેના ઐતિહાસિક નીચલા સ્તરે પહોંચી ગયો છે, જેનાથી સંકેત મળે છે કે હવે સ્માર્ટ મની સ્મોલ અને મિડકેપમાંથી નીકળીને ફરી મજબૂત લાર્જકેપ કંપનીઓ તરફ વળી શકે છે.
આજના ટ્રેડિંગ સેશનમાં બજારની સ્થિતિ
-
સેન્સેક્સમાં કડાકો: બીએસઈ સેન્સેક્સ દિવસના સર્વોચ્ચ સ્તરથી ૧૨૦૦ પોઇન્ટથી વધુ ગગડીને ૭૨,૫૮૫ ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે.
-
નિફ્ટી અને બેંક નિફ્ટી લાલચોળ: નિફ્ટી ૩૦૦ પોઇન્ટ તૂટીને ૨૨,૪૦૦ ની નીચે સરકી ગયો છે, જ્યારે બેંક નિફ્ટીમાં પણ ૧૦૦૦ પોઇન્ટથી વધુનો કડાકો જોવા મળ્યો છે.
-
બ્રોડર માર્કેટમાં વેચવાલી: નિફ્ટી મિડકેપમાં ૩.૧૬% અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૩.૬૪% નો મોટો ઘટાડો નોંધાતાં રિટેલ રોકાણકારોને મોટો ફટકો પડ્યો છે.
