ઓનલાઇન છેતરપિંડી અને સાયબર ફ્રોડના વધી રહેલા કેસોને અંકુશમાં લેવા માટે કેન્દ્ર સરકારના ટેલિકોમ્યુનિકેશન વિભાગ (DoT) દ્વારા સિમ બાઈન્ડિંગ (SIM Binding) ના નવા કડક નિયમો લાગુ કરવાની તૈયારી કરી લેવામાં આવી છે. નવા નિર્દેશો અનુસાર, ૧ જાન્યુઆરીથી પ્રક્રિયા કાર્યરત થવાની સંભાવના છે, જ્યારે તમામ મેસેજિંગ પ્લેટફોર્મ્સે નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા માટે ૩૧ ડિસેમ્બર ૨૦૨૬ સુધીની ડેડલાઇન નક્કી કરવામાં આવી છે.
આ નિયમનો મુખ્ય ઉદ્દેશ્ય મેસેજિંગ એકાઉન્ટને ગ્રાહકના કેવાયસી-વેરિફાઈડ સિમ કાર્ડ સાથે કાયમી અને સુરક્ષિત રીતે બાંધી રાખવાનો છે, જેથી કોઈ પણ અજાણ્યા ઉપકરણ કે નંબર વગર થતા સાયબર ક્રાઈમને રોકી શકાય.
કયા યુઝર્સ પર સૌથી વધુ અસર પડશે?
આ નવો નિયમ કોઈ ચોક્કસ કંપની કે મોડેલના સ્માર્ટફોન પૂરતો મર્યાદિત નથી, પરંતુ વપરાશકર્તા પોતાના ફોનમાં એપ કેવી રીતે ઓપરેટ કરે છે તેના પર નિર્ભર કરે છે:
-
સિમ વગર માત્ર Wi-Fi પર ચાલતા ફોન: જે યુઝર્સ ગૌણ (સેકન્ડરી) સ્માર્ટફોન, ટેબ્લેટ કે જૂના મોબાઈલમાં મૂળ સિમ કાર્ડ નાખ્યા વગર માત્ર વાઈ-ફાઈ નેટવર્ક દ્વારા વોટ્સએપ કે ટેલિગ્રામ ચલાવે છે, તેમની સેવા અટકી શકે છે.
-
iPhone અને Android બંનેને અસર: બંને ઓપરેટિંગ સિસ્ટમ પર આ નિયમ લાગુ પડશે. એપલે તાજેતરમાં જ iOS અપડેટ દ્વારા સિસ્ટમમાં સક્રિય સિમ છે કે નહીં તે ડિટેક્ટ કરવાની ક્ષમતા ઉમેરી છે.
-
વિદેશ પ્રવાસ કે મલ્ટીપલ ડિવાઈસ યુઝર્સ: જે લોકો વિદેશ જઈને લોકલ સિમ વાપરે છે અથવા એક જ એકાઉન્ટ અલગ-અલગ ઉપકરણો પર ચલાવે છે, તેમને ફરીથી વેરિફિકેશન કરાવવું પડશે અથવા સેટિંગ્સમાં ફેરફાર કરવા પડશે.
વેબ સેશન્સ અને લોગઆઉટના નિયમોમાં રાહત
-
અગાઉ ટેલિકોમ વિભાગે દર ૬ કલાકે વોટ્સએપ વેબ (WhatsApp Web) ના યુઝર્સને ઓટોમેટિક લોગઆઉટ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.
-
જોકે, વ્યાપારીઓ અને સામાન્ય નાગરિકોની સુવિધાને ધ્યાનમાં રાખીને સરકારે દર ૬ કલાકે લોગઆઉટ કરવાનો સામાન્ય નિયમ પાછો ખેંચી લીધો છે. હવે માત્ર શંકાસ્પદ કે જોખમી વ્યવહારો જણાય ત્યારે જ સિસ્ટમ આપમેળે લોગઆઉટ કરશે. પરંતુ ડિવાઈસમાં સિમની હાજરી ચકાસવાનો મૂળ નિયમ યથાવત્ રાખવામાં આવ્યો છે.
કઈ-કઈ એપ્સ નિયમના દાયરામાં આવશે?
-
WhatsApp અને Telegram: આ બંને અગ્રણી મેસેજિંગ એપ્સ આ નિયમોનું પાલન કરવા જરૂરી ટેકનિકલ ફેરફારો કરી રહી છે.
-
Snapchat અને Signal: સ્નેપચેટને હાલ આ ચોક્કસ નિયમમાંથી મુક્તિ મળી હોવાનું માનવામાં આવે છે, જ્યારે સિગ્નલ તરફથી આ અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ પ્રતિસાદ આપવામાં આવ્યો નથી.
આ નિયમો અમલી બન્યા બાદ હવે ડિવાઈસમાં વેરિફાઈડ સિમ કાર્ડ સક્રિય હોવું ફરજિયાત બનશે, જેથી ફેક એકાઉન્ટ્સ અને ઓનલાઇન નાણાકીય છેતરપિંડી પર મોટો અંકુશ લાવી શકાશે.
