ભારત-પાક તણાવનો મોટો ફટકો: ICC ટૂર્નામેન્ટ ભારત બહાર ખસેડાશે?

ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા રાજકીય તણાવનો સીધો પ્રભાવ હવે ક્રિકેટ પર પડતો જોવા મળી રહ્યો છે. અહેવાલો મુજબ, આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ એટલે કે International Cricket Council (ICC) ભવિષ્યમાં યોજાનારી બે મોટી ટૂર્નામેન્ટ — 2029 ચેમ્પિયન્સ ટ્રોફી અને 2031 વનડે વર્લ્ડ કપ-ભારતની બહાર ખસેડવા પર વિચાર કરી રહી છે.
ઓસ્ટ્રેલિયાના અખબાર The Age માં 16 ફેબ્રુઆરીએ પ્રકાશિત અહેવાલ મુજબ, જો ભારત પાસેથી યજમાની હટાવવામાં આવે, તો સૌથી મજબૂત દાવેદાર તરીકે Australiaનું નામ આગળ છે.
ઓસ્ટ્રેલિયામાં ટૂર્નામેન્ટની શક્યતા
ઓસ્ટ્રેલિયા અગાઉ પણ સફળતાપૂર્વક મોટી ICC ટૂર્નામેન્ટનું આયોજન કરી ચૂક્યું છે:
2015 નો વનડે વર્લ્ડ કપ
2022 નો ટી-20 વર્લ્ડ કપ
આ અનુભવને કારણે 2029 અને 2031ની ટૂર્નામેન્ટ માટે ઓસ્ટ્રેલિયાને પ્રથમ પસંદગી માનવામાં આવી રહી છે.
ભારત-પાકિસ્તાન વચ્ચેની સમજૂતી
ભારત અને પાકિસ્તાને અગાઉ ICC સાથે એવી સમજૂતી કરી હતી કે તેઓ વૈશ્વિક ટૂર્નામેન્ટ દરમિયાન એકબીજાના દેશમાં રમશે નહીં. આ નિર્ણય ત્યારે લેવાયો હતો જ્યારે ભારતે 2025 ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન જવાનું નકાર્યું હતું..હાલની પરિસ્થિતિને જોતા 2027 સુધીની આ સમજૂતી ભવિષ્યની ટૂર્નામેન્ટો સુધી લંબાવવામાં આવી શકે છે.
કોલંબોમાં ભારત-પાક મેચ
ભારત અને શ્રીલંકાની સંયુક્ત યજમાની હેઠળ યોજાઈ રહેલા ટી-20 વર્લ્ડ કપ 2026માં પાકિસ્તાન પોતાની તમામ મેચો કોલંબોમાં રમી રહ્યું છે. ભારતીય ટીમ પણ પાકિસ્તાન સામે રમવા માટે શ્રીલંકા ગઈ હતી. જો સેમીફાઈનલ અથવા ફાઈનલમાં બંને ટીમો ફરી આમને-સામે આવશે, તો તે મુકાબલો પણ કોલંબોમાં જ રમાશે.
ચાહકો માટે મોટો પ્રશ્ન
જો ભારત પાસેથી 2029 અને 2031ની યજમાની ખસેડવામાં આવશે, તો ભારતીય ક્રિકેટ ચાહકો માટે આ મોટો ઝટકો સાબિત થશે. ઘરઆંગણે વર્લ્ડ કપ જોવા મળવાની તક ગુમાવવી એ કરોડો ચાહકો માટે નિરાશાજનક બની શકે છે.
