ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણી (Gujarat Local Body Elections 2026) પહેલા જ નવસારી જિલ્લાના ગણદેવી માં મોટો ઉલટફેર જોવા મળ્યો છે. ગણદેવી નગરપાલિકામાં કોંગ્રેસના તમામ 20 ઉમેદવારોના ફોર્મ મેન્ડેટના અભાવે રદ થતા ભાજપે સત્તા કબજે કરી લીધી છે.
મેન્ડેટ ન મળતા કોંગ્રેસે ગણદેવી પાલિકા ગુમાવી
ગણદેવી નગરપાલિકાના 6 વોર્ડની 24 બેઠકો માટે ઉમેદવારી ફોર્મની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં કોંગ્રેસ દ્વારા રજૂ કરવામાં આવેલા 20 ફોર્મ સાથે પક્ષનો સત્તાવાર મેન્ડેટ નહીં હોવાથી ચૂંટણી અધિકારીએ તમામ ફોર્મ રદ કર્યા હતા. આ ઉપરાંત એક અપક્ષ ઉમેદવારનું ફોર્મ પણ રદ થયું છે. આ ઘટનાને પગલે 24 પૈકી 21 બેઠકો પર ભાજપ બિનહરીફ વિજેતા જાહેર થઈ છે.
હવે માત્ર 3 બેઠકો પર જંગ, શું તે પણ બિનહરીફ થશે?
હાલની સ્થિતિએ માત્ર 3 બેઠકો પર ભાજપના ઉમેદવારો સામે અપક્ષ ઉમેદવારો મેદાનમાં છે:
-
વોર્ડ નં. 1: ભાજપના રાજેશભાઈ પટેલ સામે અપક્ષ જયેશભાઈ ઢીમ્મર.
-
વોર્ડ નં. 4: ભાજપના નિલેશકુમાર શર્મા સામે અપક્ષ જયેશભાઈ ઢીમ્મર.
-
વોર્ડ નં. 6: ભાજપના કેયુરભાઈ વશી સામે અપક્ષ અશોકભાઈ ઢીમ્મર.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે આ 3 અપક્ષ ઉમેદવારો પણ પોતાના નામ પરત ખેંચી લે તેવી શક્યતા છે, જેનાથી આખી પાલિકા ભાજપ બિનહરીફ કબજે કરી શકે છે.
કોંગ્રેસમાં આંતરિક વિખવાદ અને આક્ષેપો
સમયસર મેન્ડેટ રજૂ ન કરી શકવા બદલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલ સામે પક્ષના જ કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કાર્યકરો આક્ષેપ કરી રહ્યા છે કે આ કોઈ વહીવટી ભૂલ છે કે પછી પડદા પાછળ થયેલો કોઈ ખેલ? આ ઘટનાથી સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
