આજકાલ નાની ઉંમરે વાળ અને દાઢી સફેદ થવા એ ખૂબ જ સામાન્ય સમસ્યા બની ગઈ છે. ખાસ કરીને ૨૫ થી ૩૦ વર્ષના યુવાનોમાં દાઢીના વાળ અકાળે સફેદ થવાનું પ્રમાણ ઝડપથી વધી રહ્યું છે.
ચહેરો આકર્ષક દેખાડવામાં કાળી-ઘાટી દાઢી મહત્વનો ભાગ ભજવે છે. પરંતુ જ્યારે તેમાં સફેદ વાળ દેખાવા લાગે છે, ત્યારે યુવાનોનો આત્મવિશ્વાસ ઓછો થઈ જાય છે. હેલ્થ એક્સપર્ટ્સના મતે, આપણી કેટલીક ખરાબ આદતો અને લાઈફસ્ટાઈલ આ સમસ્યા માટે જવાબદાર છે.
શા માટે નાની ઉંમરે સફેદ થાય છે દાઢી-વાળ?
અકાળે દાઢી અને માથાના વાળ સફેદ થવા પાછળ મુખ્યત્વે નીચેના કારણો જવાબદાર હોય છે:
-
મેલેનિનની ઉણપ અને જીનેટિક્સ: આપણી ત્વચા અને વાળને કુદરતી કાળો રંગ આપવાનું કામ ‘મેલેનિન’ (Melanin) નામનું પિગમેન્ટ કરે છે. શરીરમાં તેનું ઉત્પાદન ઘટી જતાં વાળ સફેદ થાય છે. આ સિવાય જો પરિવારમાં માતા-પિતા કે દાદા-દાદીને પણ નાની ઉંમરે આ સમસ્યા રહી હોય, તો આનુવંશિકતાના કારણે પણ આવું થઈ શકે છે.
-
માનસિક તણાવ (Stress): સતત તણાવ અને વર્ક પ્રેશરના કારણે શરીરમાં ‘નોરપીનેફ્રાઈન’ નામનું કેમિકલ રીલીઝ થાય છે. આ કેમિકલ વાળનો રંગ જાળવી રાખતી સ્ટેમ સેલ્સને નુકસાન પહોંચાડે છે. પૂરતી ઊંઘ ન લેવાથી આ સમસ્યા વધુ વકરે છે.
-
વિટામિન્સની ઉણપ અને સ્મોકિંગ: શરીરમાં વિટામિન B12, વિટામિન D3, આયર્ન અને કોપરની ઉણપથી હેર ફોલિકલ્સ નબળા પડે છે. શાકાહારી લોકોમાં વિટામિન B12 ની ઉણપ વધુ જોવા મળે છે. આ ઉપરાંત, વધુ પડતી સિગારેટ પીવાની આદત પણ દાઢીના વાળને સફેદ કરે છે.
આ સમસ્યાથી બચવા લાઈફસ્ટાઈલમાં કરો આ 4 સુધારા
જો તમે ૨૫-૩૦ વર્ષની ઉંમરે આ સમસ્યાનો સામનો કરી રહ્યા છો, તો આજથી જ તમારી આદતો બદલો:
૧. પૌષ્ટિક આહાર લો: ડાયેટમાં લીલા પાંદડાવાળા શાકભાજી, ડ્રાય ફ્રૂટ્સ, દૂધ, દહીં અને પનીર જેવી ડેરી પ્રોડક્ટ્સ સામેલ કરો જેથી જરૂરી વિટામિન્સ મળી રહે.
૨. તણાવ મુક્ત રહો: માનસિક સ્ટ્રેસ ઓછો કરવા માટે નિયમિત યોગ અથવા મેડિટેશન (ધ્યાન) કરો. આ સાથે દરરોજ ૭ થી ૮ કલાકની પૂરતી ઊંઘ લો.
૩. વ્યસનોથી દૂર રહો: સિગારેટ, ગુટખા અને તમાકુ જેવી હાનિકારક આદતોથી સંપૂર્ણ અંતર જાળવી લો.
૪. કેમિકલ પ્રોડક્ટ્સનો ઉપયોગ ટાળો: દાઢી પર કેમિકલવાળા ફેસવોશ, બ્યુટી પ્રોડક્ટ્સ અથવા હલકી ગુણવત્તાવાળા હેર કલર ન લગાવો, કારણ કે તે વાળના મૂળને હંમેશા માટે ડેમેજ કરી શકે છે.
