વડોદરા જિલ્લાના કરજણના ભાજપના ધારાસભ્ય અક્ષય પટેલના પુત્ર ઋષિ પટેલ અને તેના સાગરીતોની દાદાગીરી સામે આવી છે. રેતીના ડમ્પર ચલાવતા આદિવાસી ડ્રાઇવરોને ક્રૂરતાપૂર્વક માર મારવામાં આવ્યો હતો. આ ઘટનાને પગલે સમગ્ર આદિવાસી સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. સોશિયલ મીડિયા પર વિરોધ વધતા આ મામલાની નોંધ છેક ગાંધીનગર સુધી લેવાઈ છે. આખરે ચાર દિવસના ભારે હોબાળા બાદ વલણ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
ઓફિસે બોલાવી લોખંડની પાઇપથી હુમલો કર્યો
કરજણના નારેશ્વર અને લીલોડ વિસ્તારમાં ધારાસભ્યના પુત્ર ઋષિ પટેલ રેતીની લીઝ ચલાવે છે. ભોગ બનનાર ડમ્પર ડ્રાઇવર નટવર વસાવાએ આ મામલે ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ અનુસાર, ૧૫મી મેના રોજ નટવર વસાવા અને ગીરીશ વસાવા જંબુસરથી રેતી ખાલી કરીને પરત આવી રહ્યા હતા. ત્યારે ઋષિ પટેલે તેમને બકાપુર સ્થિત પોતાની ઓફિસે બોલાવ્યા હતા. ઓફિસમાં ડમ્પરનો ફોટો બતાવી પૂછપરછ કરવામાં આવી હતી. નટવરે ગાડી ઓળખી લેતા જ ઋષિ પટેલે તેના મોં પર લોખંડની પાઇપ ફટકારી દીધી હતી.
દોરડા વડે ઊંધો લટકાવી જાતિસૂચક અપમાન કર્યું
પીડિત ડ્રાઈવરે જણાવ્યું કે હુમલા દરમિયાન ઋષિ પટેલના સાગરીતો પણ ત્યાં હાજર હતા. તે લોકોએ નટવર વસાવાને દોરડા વડે ઊંધો લટકાવી દીધો હતો. ત્યારબાદ પ્લાસ્ટિકની પાઇપ વડે તેને નિર્દિષ્ટ રીતે ઢોર માર મારવામાં આવ્યો હતો. માર મારતી વખતે આરોપીઓએ જાતિસૂચક અપમાનજનક શબ્દોનો ઉપયોગ પણ કર્યો હતો. નટવર વસાવા બેભાન થઈ જતાં હુમલાખોરો તેને ત્યાં જ છોડીને ભાગી ગયા હતા. આરોપીઓએ અન્ય ડ્રાઈવર ગીરીશને પણ આ જ રીતે માર માર્યો હતો.
ગાંધીનગરથી આદેશ છૂટતા પોલીસે લીધા એક્શન
આ ઘટના બાદ આદિવાસી સમાજે પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો અને ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું. સમાજ દ્વારા મોટા આંદોલનની ચીમકી આપવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર મામલો ગરમાતા ગાંધીનગરથી કડક સૂચનાઓ મળી હતી.
આખરે પોલીસે ધારાસભ્યના પુત્ર ઋષિ પટેલ સહિત ૫ હુમલાખોરો સામે એટ્રોસિટી એક્ટ અને અન્ય કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. બીજી તરફ, એવી અફવાઓ પણ વહેતી થઈ છે કે પોલીસ ફરિયાદમાં વિલંબ થવાનો ફાયદો ઉઠાવીને ધારાસભ્યનો પુત્ર વિદેશ ભાગી ગયો છે. જો કે આ વાતને હજુ સુધી કોઈ સત્તાવાર સમર્થન મળ્યું નથી.
