બ્રાઝિલના મિક્સ્ડ માર્શલ આર્ટિસ્ટ એલન નાસિમેન્ટોનું ૩૪ વર્ષની વયે નિધન થયું છે. UFC દ્વારા સોમવારે આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે. UFC ના જણાવ્યા અનુસાર, એલન નાસિમેન્ટોનું ઊંઘમાં સંભવિત હાર્ટ એટેક આવ્યા બાદ મૃત્યુ થયું હતું. સોમવારે સવારે તેઓ બેભાન હાલતમાં મળી આવ્યા હતા.
મેડિકલ ઇમરજન્સી ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી, પરંતુ તેમને સ્થળ પર જ મૃત જાહેર કરવામાં આવ્યા હતા. UFC એ જણાવ્યું કે સોમવાર, ૩ ઓગસ્ટની સવારે તેમના પ્રિય ફાઇટર અને ફ્લાયવેટ એલન નાસિમેન્ટો ઊંઘમાં સંભવિત હાર્ટ એટેક આવ્યા બાદ કોઈ પ્રતિક્રિયા આપવાની સ્થિતિમાં મળી આવ્યા ન હતા. સંગઠને એલન નાસિમેન્ટોના પરિવાર, મિત્રો, ટીમમેટ્સ અને નજીકના લોકો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે.
એલન નાસિમેન્ટોના અવસાનથી MMA સમુદાયમાં મોટો આઘાત લાગ્યો છે. બ્રાઝિલના આ ફાઇટરે એક ટેકનિકલ રીતે મજબૂત ફ્લાયવેટ તરીકે પોતાની ઓળખ બનાવી હતી. તેઓ બ્રાઝિલના પ્રખ્યાત ‘ચૂટે બોક્સે ડિએગો લીમા જિમ’ના સન્માનિત સભ્ય પણ હતા, તેથી તેમના મૃત્યુના સમાચારે રમત સાથે જોડાયેલા ઘણા લોકોને આંચકો આપ્યો છે.
૨૦૨૧માં કર્યું હતું ડેબ્યૂ
એલન નાસિમેન્ટોએ ૨૦૨૧માં UFC ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તેમણે ઓક્ટાગોન (Octagon) માં ૪-૨નો રેકોર્ડ બનાવ્યો હતો. એમનો છેલ્લો મુકાબલો જૂન મહિનામાં થયો હતો, જ્યાં તેમને મિચ રાપોસો સામે સ્પ્લિટ-ડિસિઝનથી હાર મળી હતી. પોતાના પ્રોફેશનલ MMA કરિયરમાં તેમણે ૨૨ જીત અને ૭ હાર સાથે સફર પૂર્ણ કરી હતી.
કોચ ડિએગો લીમા સાથે ટ્રેનિંગ કરનાર એલન નાસિમેન્ટોએ બ્રાઝિલના ઘણા મોટા ફાઇટર્સ સાથે મેટ શેર કરી હતી. જેમાં પૂર્વ UFC લાઇટવેટ ચેમ્પિયન ચાર્લ્સ ઓલિવિરા અને UFC લાઇટવેટ એલ્વેસ બ્રેનર પણ સામેલ હતા. આ જ કારણ છે કે તેમના મૃત્યુ પછી બ્રાઝિલિયન MMA સર્કિટમાં સતત શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે.
ચૂટે બોક્સે ડિએગો લીમા જિમે સોશિયલ મીડિયા પર ભાવુક સંદેશ લખતા કહ્યું કે તેમણે એક યોદ્ધા, એક મિત્ર, એક સમર્પિત સ્પર્ધક અને એક અસાધારણ ઇન્સાન ગુમાવ્યો છે. જિમે એ પણ ઉમેર્યું કે એલને મેટ પર અને મેટની બહાર પોતાના જુસ્સા, નમ્રતા, સન્માન અને ફાઇટિંગ સ્પિરિટથી લોકોને પ્રેરિત કર્યા હતા.
પોસ્ટમાં કહેવામાં આવ્યું કે તેમની ગેરહાજરી હંમેશા વર્તાશે અને તેમનું નામ, તેમની વાર્તા અને તેમનો વારસો હંમેશા જીવંત રહેશે. બીજી તરફ UFC એ પણ તેમના યોગદાનને યાદ કરતા તેમને છ ફાઇટની પોતાની સફરમાં એક કુશળ સ્પર્ધક અને સંપૂર્ણ રીતે પ્રોફેશનલ ફાઇટર ગણાવ્યા હતા.
હાલમાં એલન નાસિમેન્ટો પોતાના પરિવાર, મિત્રો અને ટીમમેટ્સને છોડીને વિદાય લઈ ચૂક્યા છે. MMA જગતમાંથી તેમના નજીકના લોકો તરફથી સતત સંવેદના અને શ્રદ્ધાંજલિના સંદેશાઓ આવી રહ્યા છે. UFC અને તેમના જિમના નિવેદનોએ સ્પષ્ટ કરી દીધું છે કે એલન નાસિમેન્ટો માત્ર કેજ (Cage) ની અંદર જ નહીં, પરંતુ પોતાના સ્વભાવના કારણે પણ ખૂબ જ સન્માનિત હતા.
