તહેવારોની મોસમ શરૂ થઈ ગઈ હોવા છતાં ભારતીય સ્માર્ટફોન બજારમાં ચાલુ વર્ષ ૨૦૨૬ ના ત્રીજા ત્રિમાસિક ગાળા (Q3 2026) માં ભારે મંદી જોવા મળી છે. માર્કેટ રિસર્ચ ફર્મ ઓમડિયા (Omdia) ના તાજેતરના અહેવાલ મુજબ, દેશમાં સ્માર્ટફોનનું વાર્ષિક વેચાણ ૨૬ ટકા ઘટીને ૩.૫૮ કરોડ યુનિટ્સ પર આવી ગયું છે.
વર્ષ ૨૦૧૬ પછી કોઈ પણ ત્રીજા ક્વાર્ટરમાં નોંધાયેલું આ સૌથી નીચું વેચાણ છે. વીવો, ઓપ્પો અને શાઓમી જેવી અગ્રણી ચાઈનીઝ બ્રાન્ડ્સના શિપમેન્ટમાં મોટો ઘટાડો નોંધાયો છે, જ્યારે સેમસંગ નજીવા ઘટાડા છતાં ફરી માર્કેટ લીડર બનીને ટોચ પર પહોંચી ગઈ છે.
સેમસંગ નંબર વન: જાણો ટોપ-૫ બ્રાન્ડ્સનું વેચાણ
ઓમડિયાના રિપોર્ટ મુજબ ત્રીજા ક્વાર્ટરમાં વિવિધ કંપનીઓનું પ્રદર્શન નીચે મુજબ રહ્યું છે:
-
સેમસંગ (Samsung): કંપનીએ આ ક્વાર્ટરમાં ૬૭ લાખ સ્માર્ટફોન વેચીને પ્રથમ સ્થાન મેળવ્યું છે. વાર્ષિક ધોરણે કંપનીના વેચાણમાં માત્ર ૧ ટકાનો નજીવો ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ તે ૧૯ ટકા માર્કેટ શેર સાથે ટોચ પર રહી છે.
-
વીવો (Vivo): ૬૪ લાખ સ્માર્ટફોન ના શિપમેન્ટ સાથે વીવો બીજા ક્રમે રહ્યું છે.
-
ઓપ્પો (Oppo): કંપનીના વેચાણમાં ૨૪ ટકાનો મોટો ઘટાડો થયો છે અને તેનું કુલ વેચાણ ૪૯ લાખ યુનિટ્સ રહ્યું છે.
-
શાઓમી (Xiaomi): શાઓમીના વેચાણમાં ૨૮ ટકાનો જંગી ઘટાડો નોંધાયો છે, જેના પરિણામે કંપની ૪૭ લાખ યુનિટ્સ સાથે ચોથા સ્થાને સરકી ગઈ છે.
-
એપલ (Apple): પ્રીમિયમ સેગમેન્ટમાં પ્રભુત્વ ધરાવતી એપલના વાર્ષિક વેચાણમાં ૨૦ ટકાનો ઘટાડો થયો હોવા છતાં, કંપની ૩૯ લાખ યુનિટ્સ વેચીને દેશની ટોપ-૫ બ્રાન્ડ્સની યાદીમાં સ્થાન જાળવી રાખવામાં સફળ રહી છે.
વેચાણમાં આટલા મોટા ઘટાડા પાછળનું મુખ્ય કારણ શું?
ઓમડિયાના અગ્રણી વિશ્લેષક સંયમ ચૌરસિયાના જણાવ્યા મુજબ, સામાન્ય રીતે સપ્ટેમ્બર મહિનો તહેવારોની ઓનલાઇન મેગા સેલ (જેમ કે દિવાળી/નવરાત્રિ સેલ) પૂર્વે સ્ટોક જમા કરવા માટે ખૂબ મહત્વનો ગણાય છે. જોકે આ વખતે પરિસ્થિતિ બદલાઈ છે:
-
ઓનલાઇન મોડેલ્સની અછત: ઓનલાઇન પ્લેટફોર્મ્સ માટે ખાસ લોન્ચ થતા નવા મોડેલ્સની સંખ્યા આ વખતે ઓછી રહી હતી.
-
બજેટ ફોનનું મર્યાદિત વેચાણ: સસ્તા અને એન્ટ્રી-લેવલ સ્માર્ટફોનની ઉપલબ્ધતા અને માંગ બંને મર્યાદિત રહી હતી.
-
ડિસ્કાઉન્ટ અને ઓફર્સનો અભાવ: પ્રમોશનલ સ્કીમ્સ અને ઓફર્સમાં ગ્રાહકોને અગાઉ જેવો મોટો ફાયદો ન દેખાતાં તહેવારોનો પરંપરાગત ઉત્સાહ અને બૂસ્ટ સ્માર્ટફોન માર્કેટમાં જોવા મળ્યો નથી.
